જિનિયસ પ્રતિભાઓનો આઇ ક્યૂ કેટલો?

Stephen Hawkingતાજેતરમાં થયેલા સર્વેક્ષણ અનુસાર ૫૦ ટકા લોકોનો બુદ્ધિઆંક ૯૦ થી ૧૧૦ની વચ્ચે હોય છે. ૨.૫ ટકા લોકો માનસિક રીતે અપૂર્ણ હોય છે. તેમનો બુદ્ધિ આંક ૭૦થી નીચે હોય છે. સમાજના ૨.૫ ટકા લોકો વિશેષ પ્રતિભા ધરાવે છે. તેમનો બુદ્ધિઆંક ૧૩૦થી ઉપર હોય છે. ૦.૫ ટકા લોકો જિનિયસથી ઉપર હોય છે. તેમનો બુદ્ધિઆંક ૧૪૦થી ઉપર હોય છે.

સ્ટીફન ડબલ્યૂ હોકિંગ

૭૦ વર્ષની વયના છે. શ્રેષ્ઠ જિનિયસની યાદીમાં આવતા સ્ટીફન હોકિંગ જગતની મશહૂર પ્રતિભા છે. તેમણે થિયરિકલ ફિઝિક્સમાં કરેલા સંશોધનથી બ્રહ્માંડને સમજવામાં મદદ મળે છે. તેઓ શારીરિક રીતે લકવાગ્રસ્ત હોવા છતાં ૧૬૦નો બુદ્ધિઆંક ધરાવે છે.

કિમ ઉંગ યોંગ

વિશ્વની શ્રેષ્ઠ જિનિયસ પ્રતિભામાં બીજા નંબરે કિમ ઉંગ યોંગ આવે છે. તેમણે બે વર્ષની વયે ચાર ભાષા ઉપર પ્રભુત્વ મેળવી લીધું હતું. ચાર વર્ષની વયે કોલેજનો અભ્યાસ પૂરો કરી દીધો હતો. નાસાએ તેમને આઠ વર્ષની વયે ભણવા બોલાવી લીધા હતા. તેમનો બુદ્ધિઆંક ૨૧૦ છે.

પોલ એલન

૫૯ વર્ષની વયના પોલ એલન માઈક્રોસોફ્ટના સહસંસ્થાપક છે. તેઓ તેમની શ્રેષ્ઠ બુદ્ધિથી ૧૨૪ અબજ ડોલરની સંપત્તિના માલિક છે. એલન દુનિયામાં ૪૮મા સહુથી વધુ શ્રીમંત વ્યક્તિ છે. તેમનો બુદ્ધિઆંક ૧૭૦ છે.

રિક રોસ્નર

૫૨ વર્ષની વયના રિક રોસ્નર એક ટીવી લેખક છે. નાની ઉંમરમાં સ્કૂલમાં ભણવા તેમણે પોતાનું નામ બદલી નાંખ્યું હતું. હમણાં જ તેમણે જિમી કેમેલ માટે કામ કર્યું છે. તેમનો બુદ્ધિઆંક ૧૯૪ છે.

ગેરી કાસ્પારોવ

૪૯ વર્ષની વયના ગેરી કાસ્પારોવ શતરંજના બહેતરીન ખેલાડી છે. તેઓ શતરંજમાં કમ્પ્યુટરને હરાવી ચૂક્યા છે. તેઓ વિશ્વવિજેતા છે. ૨૨ વર્ષની વયે તેઓ વર્લ્ડ ચેમ્પિયન બની ગયા હતા. રશિયાના પ્રમુખની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. તેમનો બુદ્ધિઆંક ૧૯૦ છે.

સર એન્ડ્ર્યુ વિલેસ

૫૯ વર્ષની વયના સર એન્ડ્ર્યુ વિલેસે ૧૯૯૫માં મેથેમેટિકલ થિયરીને સાબિત કરી દીધી હતી. બ્રિટનના આ ગણિતજ્ઞો જે થિયરી સાબિત કરી છે તેને વિશ્વનું સહુથી અઘરું ગણિત કહે છે. ગણિત અને વિજ્ઞાનના ક્ષેત્રમાં તેઓ ૧૫ જેટલાં સન્માન મેળવી ચૂક્યા છે. તેમનો બુદ્ધિઆંક ૧૭૦ છે.

જ્યુડી પોલ્ગર

૩૫ વર્ષની વયના જ્યુડી પોલ્ગર જન્મ્યા પછી એક ચમત્કારિક બેબી ગણાયા હતા. સહુથી નાની ઉંમરમાં તેઓ શતરંજમાં ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. તેમના પિતાએ તેમને ખાસ તાલીમ આપીને વિશ્વની શ્રેષ્ઠ ઉપલબ્ધિ હાંસલ કરવામાં મદદ કરી હતી. તેમનો બુદ્ધિઆંક ૧૭૦ છે.

ક્રિસ્ટોફર હિટાટા

૩૦ વર્ષના ક્રસ્ટોફર હિટાટાએ ૧૪ વર્ષની વયે કેલટેકમાં પ્રવેશ મેળવ્યો હતો. ૧૬ વર્ષની વયે નાસામાં કામ કર્યું હતું. ૨૨ વર્ષની વયે પ્રિન્સટન યુનિવર્સિટી દ્વારા ખગોળશાસ્ત્રમાં પીએચડી કર્યું. આંતરરાષ્ટ્રીય ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં માત્ર ૧૩ વર્ષની વયે જ ગોલ્ડમેડલ હાંસલ કર્યો. ક્રિસ્ટોફર હિટાટા ૨૨૫ જેટલો બુદ્ધિઆંક ધરાવે છે.

આઈ ક્યુ અને નોકરી

બુદ્ધિમત્તા માપવા માટે મનોવિજ્ઞાનિકો વિવિધ રીતો અપનાવે છે. જર્મન શબ્દમાંથી બનેલો આઈ ક્યુ સ્કોર શૈક્ષણિક ઉપલબ્ધિઓ, ઉંમર, જોબમાં કામગીરીનું પ્રદર્શન અને તેનું પૂર્વાનુમાન દર્શાવે છે. તેમાં શારીરિક અને માનસિક ઉંમર પણ જોવામાં આવે છે. ૧૦૦નો આંકડો એક સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે. ૧૦૦થી ઉપર આંક આવે તો તેનો બુદ્ધિઆંક અધિક સમજવામાં આવે છે. આઈ ક્યુ જાણવા માટે પ્રમાણિત મનોવૈજ્ઞાનિક પરીક્ષણમાંથી પસાર થવું પડે છે. આ પરીક્ષણમાં એક કલાકનો સમય લાગે છે. એવો ખ્યાલ છે કે ૮૦થી ૧૦૦નો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓ સામાન્ય રીતે સ્ટોર ક્લાર્ક જેવી નોકરી માટે યોગ્ય છે. ૧૧૧થી ૧૨૦ જેટલો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓ પોલીસ અને શિક્ષણ બનવાની યોગ્યતા ધરાવે છે. ૧૨૧થી ૧૨૫નો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓ પ્રોફેસર અને મેનેજર બનવાની યોગ્યતા ધરાવે છે. ૧૨૫થી ઉપરનો બુદ્ધિઆંક ધરાવતી વ્યક્તિઓ વિખ્યાત પ્રોફેસર, વૈજ્ઞાનિક, સંપાદક અને એક્ઝિક્યુટિવ બનવાની યોગ્યતા ધરાવે છે.

સંશોધનો શું કહે છે?

એડિલેડ યુનિવર્સિટીએ કરેલા એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે ફાસ્ટફૂડ બાળકોની બુદ્ધિમત્તા ઓછી કરી નાંખે છે. કાર્ડિફ યુનિવર્સિટીનું સંશોધન કહે છે કે જે મહિલાઓનો આઈ ક્યૂ સ્તર ૧૦૦થી વધુ હોય છે તે ૩૦ વર્ષની આસપાસની ઉંમરમાં માદક દ્રવ્યોના બંધાણી બની શકે છે. નાનાં બાળકોને મારવાથી કે ફટકારવાથી તેમનો આઈ ક્યુ ઘટી જતો હોય છે. જે લોકો રોજ સરેરાશ એક પેકેટ સિગારેટ પીએ છે તેમનો આઈ ક્યૂ સિગારેટ ના પીનારાઓની સરખામણીમાં ૭૫ આંક જેટલો ઓછો હોય છે. કેનેડાની મેકગિલ યુનિવર્સિટીએ કરેલાં સંશોધનમાં જણાયું છે કે જે બાળકોએ જન્મ બાદ તેમની માતાનું દૂધ પીધું છે તે વધુ બહેતર બુદ્ધિપ્રતિભા ધરાવે છે.

આઈ ક્યૂ કેવી રીતે વધે?

વૈજ્ઞાનિકો કહે છે : ” આપણું મગજ બે ભાગમાં વહેંચાયેલું છે. એક ભાગ સાંભળે છે અને તેની પાસે રાખે છે જ્યારે બીજો ભાગ છે તેને યાદ રાખે છે. પરીક્ષા આવતાં જ કોઈ બાળકના દિમાગની બત્તી ગુલ થઈ જાય તો સમજવું કે તેનો આઈ ક્યૂ ઓછો છે. આઈ ક્યૂ વધારી શકાય છે. પોઝિટિવ થિંકિંગ આઈ ક્યૂ વધારવાની પહેલી સીડી છે.

આઈ ક્યૂ વધારવા માટે પણ નિયમિત શારીરિક વ્યાયામની જરૂર છે. આઈ ક્યૂ વધારવો હોય તો ઇનોવેટિવ પુસ્તકો વાંચો. તમે જમણા હાથે લખતા હોય તો પણ ડાબા હાથે લખવા અથવા ડાબા હાથે લખતા હોવ તો પણ જમણા હાથે લખવા પ્રયાસ કરો. એમ કરવાથી મગજનો બીજો ભાગ સક્રિય થાય છે. હંમેશાં ખુશ રહેવાની ટેવ પાડો. ઘરકુકડી બની રહેવાના બદલે લગ્નપ્રસંગો, સમારંભો, મેળાવડા, પુસ્તક મેળો, સંગીત સમારોહ, અને યાત્રાઓમાં જાવ. નાટકો અને ફિલ્મો પણ જુઓ. મિત્રો સાથે કે આંતરિક વર્તુળોમાં ચર્ચાઓમાં ભાગ લો. એવી વીડિયોગેમ રમો જેમાં તમને રુચિ ના હોય. એમ કરવાથી નવા વિચારો, આઇડિયા આવશે. જ્યારે પણ તક મળે ત્યારે સુડોકુ અને ક્રોસવર્ડનો અભ્યાસ કરો.

શાસ્ત્રીય સંગીત આઈ ક્યૂ વધારવામાં ખૂબ કામ આવે છે. શાસ્ત્રીય સંગીત માણો. દૂધ,પનીર, બદામ, અખરોટ, મગજશક્તિ વધારે છે. જો તમે માંસાહારી છો તો માછલીથી ફાયદો થાય છે. લીંબુ, નારંગી, સ્ટ્રોબેરી જેવાં ફળો બુદ્ધિમત્તા વધારે છે.

યાદ રહે કે માત્ર આકર્ષક વ્યક્તિત્વ, ઊંચાઈ, ખૂબસૂરતી, આકર્ષક વસ્ત્રો કરતાં પણ આપણા જીવનમાં મહત્ત્વપૂર્ણ આઈ ક્યૂ – અર્થાત્ બુદ્ધિમત્તા છે. આઈ ક્યૂ જ આપણને માનવભીડમાં બધાથી અલગ અને ખાસ બનાવી દે છે..

સૌજન્ય : ધારા દેસાઈ (યુ.એસ.એ.)

ટીપ્પણી