ખુબ જ હૃદયસ્પર્શી લાવ સ્ટોરી : “બસ તારી જ જરૂરત…” – દૈવિક પ્રજાપતિ

- Advertisement -

0138_joke-3

બસ તારી જ જરૂરત… – દૈવિક પ્રજાપતિ

 

રૂપ રૂપના અંબાર સમી અને નામની જેમ જ જોનાર ના હ્રદયમાં પ્રસરી જાય એવી એકવીસ વરસની ધ્વનિ તેની બહેનપણી મહેક સાથે પાંજરાપોળની જોડે આવેલી પાસપોર્ટ ઑફિસે બેઠા બેઠા ઈન્ટરવ્યૂ માટે પોતાનો વારો આવે એની રાહ જોઇ રહી હતી.

વાત જાણે એમ હતી કે કોલેજમાં જેમણે ત્રીજા અને અંતિમ વરસમાં સારું પ્રદર્શન કર્યું હોય તેમને સરકાર તરફથી ઈન્ટરવ્યૂ માટે બોલાવવાના હતાં અને એમાંથી કોઈ એક વિદ્યાર્થિને વિદેશ મોકલવામાં આવશે એમ નક્કી થયું હતું. આથી જ કોલેજના અન્ય પ્રભાવશાળી વિદ્યાર્થિઓની જેમ તે લોકો પણ રાહ જોઇ રહ્યા હતાં. એટલામાં મહેકની નજર દરવાજા પર પડી. એણે જોયું કે સામેથી અરમાન આવીરહ્યો છે. તેણે કોણી મારીને ધ્વનિને કહ્યું, ‘જો તો ખરી તારો આશિક આવી રહ્યો છે…..’ આમ કહીને એ હસવા લાગી. ધ્વનિ, મહેક અને અરમાન પહેલા ધોરણથી કોલેજ સુધી સાથે ભણેલાં અને મહેક જાણતી હતી કે અરમાન ધ્વનિ માટે લાગણી ધરાવે છે પરંતુ ધ્વનિ તેની સતત અવગણના કર્યા કરે છે.

અરમાનને જોતાં જ ધ્વનિનું મોં ફાટેલા દૂધ જેવું થઈ ગયું. મહેક સામે જોઇને તેણે કહ્યું ‘ચાલ ઘરે…મને નથી લાગતું કે હું સિલેક્ટ થઈશ. કેમ કે તું અને હું, આપણે બંને જાણી છીએ કે અરમાન આપણા બધા કરતાં હોશિયાર અને બુદ્ધિશાળી છે. એટલે એ તો નક્કી જ છે કે અરમાન જ સિલેક્ટ થવાનો છે. તો પછી અહીંયા ગરમીમાં બેસી રહીએ એના કરતાં ઘરે જ જતા રહીએ. અહીં સમય બગાડવો નથી….’

‘આ શુ બોલે છે તું ? તારા માર્ક્સ, ગ્રેડ સૌથી સારા છે, તારી જોડે ઘણા બધા પ્રમાણપત્ર પણ છે અને તું બધી સ્પર્ધામાં અરમાન કરતા આગળ જ છે, તો શું કરવા ડરે છે ?’ મહેક આશ્વર્ય સાથે બોલી.

‘તને ખબર નથી, પણ મને ખબર છે કે મારે કેમ એના કરતાં વધારે માર્ક્સ આવે છે. કેમ કે દરેક પરીક્ષામાં એનો નંબર મારી બાજુમાં જ આવતો. એટલે હુ જે પણ કાંઈ મને ન આવડે તે એનામાંથી જોઇને લખતી અને એને બધું આવડતું તે છતાં એ ન જાણે કેમ મારા થી એક પ્રશ્ન ઓછો જ લખતો. એવી જ રીતે કોઇ પણ સ્પર્ધામાં અમે બંને ફાઇનલમાં આવીએ તો એ છેલ્લી ઘડીએ હારી જતો અને એટલે જ તો મને આટલાં પ્રમાણપત્ર મળ્યા છે. હકીકત તો એ જ છે કે મારા બધા માર્ક્સ, પ્રમાણપત્ર એને જ કારણે છે અને આમેય એના વિચારો અને જ્ઞાનને વિક્સાવવા માટે એનું વિદેશ જવું જરૂરી છે. એટલે આજે તો એ મને જીતવા નહીં જ દે. એટલે જ તો કહું છું કે ચાલ ઘરે જઈએ.’

આ સાંભળી રહેલી આશ્વર્યચકિત થયેલી મહેક બોલી, ‘વાહ રે, મુમ્તાઝ.. તેં તો સલીમની હકીકત ઉઘાડી જ નહોતી પાડી કેમ !? પણ તને શું વાંધો છે ? આજે તું પ્રયત્ન તો કર. આપણને બાળપણમાં શિખવાડવામાં આવ્યુ છે કે ‘લહેરો સે ડરકર નૈયા પાર નહી હોતી, ઓર કોશીશ કરને વાલો કી હાર નહી હોતી ” આજે તું પ્રયત્ન તો કર, આ વખતે નહિ તો આવતી વખતે તારું સિલેક્શન થઈ જ જશે….’ એટલામાં ઓફીસમાંથી નોકર આવીને બોલ્યો, ‘ધ્વનિ પટેલ, ટોકન નંબર તેરને ઈન્ટરવ્યૂ માટે બોલવવામાં આવે છે અને ત્યાર પછીના નંબર તૈયાર રહેજો.’ આ જ રીતે બધા ઉમેદવારના ઈન્ટરવ્યૂ એક પછી એક એમ પુરા થઈ ગયા અને સુચના મળી કે ‘પસંદગી પામેલા ઉમેદવારનું નામ બે દિવસ પછી જાહેર કરવામાં આવશે.’

 

* * * * *

બે દિવસ પછી પાછા ધ્વનિ અને મહેક બંને પાસપોર્ટ ઓફિસે પહોચ્યાં. જેવા તેઓ અંદર દાખલ થયાં કે સામે જ અરમાન મળ્યો :

‘કેમ છો, ધ્વનિ અને મહેક ?’

‘મજામાં….’ મહેક બોલી ‘શુ અરમાન, તું સિલેક્ટ થઈ ગયો ?’

‘ના, પણ ધ્વનિ થઈ ગઈ છે.’

આ સાંભળાતા જ ધ્વનિ ઝૂમી ઉઠી અને બંને પોતાનું નામ લિસ્ટમાં જોવા માટે દોડયા. નામ જોઈને પાસપોર્ટ ઓફિસરને મળવા ગયા પણ તેઓ હાજર હતાં નહીં એટલે નોકરે એમને બેસવા કહ્યું. એ બંને માટે પાણી લેવા ગયો. થોડીવારમાં તે પાણી લઈને આવ્યો. પાણી પીતા પીતા મહેક બોલી :

‘જોયું ને હું કહેતી’તી ને કે તારો નંબર લાગી જ જશે અને હા અભિનંદન, કેમ કે આજે તેં પ્રથમવાર પોતાના દમ પર કંઇક મેળવ્યું છે.’

‘તારી વાત સો ટકા સાચી છે, ખરેખર આ પાસપોર્ટ માટે હું જ યોગ્ય ઉમેદવાર છુ… હાશ !…હવે તો પાસપોર્ટ મળે એટલી જ વાર છે, પછીના મહીનામાં તો હું અમેરિકા ઊડી જઈશ. પણ સાચુ કહું તો મને એમ લાગ્યું’તું કે અરમાન જ સિલેક્ટ થયો હશે, મને તો દયા આવે છે બિચારા પર કેટલો હોશિયાર છે છતાં પણ સિલેકટ ના થયો.’

‘તો તો આ વાત પર પાર્ટી થઈ જાય, અને હા પેલા અરમાનને પણ બોલાવજે.’ મહેક બોલી. બંને હસવા લાગ્યા.

આ વાતચીત સાંભળી રહેલો નોકર બોલ્યો,

‘માફ કરશો બહેન, પણ એક સવાલ પૂછું ? શું તમે હમણાં જે છોકરો બહાર ગયો એની વાત કરો છો ?’

‘હા, જે હમણાં પરીણામ જોવા આવ્યો હતો એ…. લાલ પેન્ટ, બ્લેક શર્ટ માં !’ મહેક બોલી.

‘હું તો એને જાણતો નથી પણ એક વાત કહું તમને ? તમે એમ માનો છો કે તમે સિલેક્ટ થયા છો એમાં તમારી હોંશિયારી છે, તો તમે ખોટા છો. કેમ કે ખરેખર તો મેરિટમાં પ્રથમ નંબર એનો હતો પણ એણે જોયું કે બીજો નંબર તમારો છે તો એણે એનો સિલેક્શન લેટર ફાડી નાખ્યો અને મોટા સાહેબને વિનંતી કરી કે એના સ્થાને તમારું સિલેક્શન કરવામાં આવે. મોટા સાહેબે આમ કરવાનું કારણ પુછ્યું તો કહેતો તો કે તમારી ખુશી વિદેશ જવામાં રહેલી છે, એટલે તમારી ખુશી ખાતર એ એનું સિલેક્શન રદ કરાવે છે…. પણ મને એ ખબર નથી પડતી કે કોઇ આવી સુવર્ણ તક કોઇ બીજા માટે કેમ છોડી દે છે ?’

આ સાંભળાતા જ ધ્વનિ અને મહેકની આંખો ખુલ્લીની ખુલ્લી જ રહી ગઈ, એટલામાં ધ્વનિ પોતાની જગ્યા પરથી ઉભી થઇ ગઇ અને બહાર ભાગવા લાગી, એની પાછળ પાછળ મહેક પણ દોડી, ધ્વનિ બહાર આવી અને અરમાનને શોધવા લાગી. તે રીક્ષાની રાહ જોઈને ઉભેલા અરમાન પાસે ગઈ અને જેવો તે ધ્વનિ સામે જુએ તે પહેલા જ ધ્વનિએ એને જોરદાર ખેંચીને તમાચો મારી દીધો. અરમાન સહીત આજુબાજુવાળા લોકો સ્તબ્ધ થઇ ગયા. છતાંય અરમાને તમાચો મારવાનું કારણ ન પૂછ્યું, બસ નીચું મોં કરીને ઊભો જ રહ્યો પરંતુ ધ્વનિ બોલી :

‘કેમ તું મારા વિશે લોકોને ખોટું ખોટું કહે છે ? તું તારી જાતને સ્માર્ટ સમજે છે કે ખોટું બોલીને તું છટકી જઇશ ? તને કોણે કહ્યું કે હું વિદેશ જઈશ તો ખુશ હોઇશ. તું ખોટુ બોલે છે, તું જુઠ્ઠો છે. અત્યાર સુધી તે મારી ઘણી મદદ કરી છે ને તો ચાલ આજે એનો હિસાબ કરી જ લઈએ, પણ એક શરત છે હું જે પણ કાંઇ આપુ તે તારે સ્વીકારી જ લેવું પડશે, પ્લીઝ, ના ના પાડીશ…’ આટલું કહેતાંની સાથે જ ધ્વનિ રડી પડી. ગુસ્સાવાળો ચહેરો અચાનક પીગળી ગયો. એણે આંસુ લુછ્યા કહ્યું, ‘હુ તારી જોડે રહીશ તો જ ખુશ રહીશ. હવે મને સમજાઇ ગયું છે કે હું તારા વગર નહીં રહી શકું. અરમાન મારા પર એક વાર વધુ મહેરબાની કર પ્લીઝ…. મને અપનાવી લે….નથી જોઇતી મારે વિદેશની ખુશી…’

પણ જાણે કશીય ખબર ના હોય એમ અરમાન નિરુત્તર ઉભો જ રહ્યો પરંતુ પાસે ઉભેલી મહેક સમજી ગઈ એનો શું જવાબ હશે. સાથે એના મનમાં એ પરિસ્થિતિને અનુરૂપ એક કવિતા રટાઈ રહી હતી :

‘કીસી પથ્થર મે મુરત હે, કોઇ પથ્થર કી મુરત હે,

જમાના કુછ ભી સમજેગા મગર મુજે અપની ખબર હે,

મુઝે તેરી જરૂરત હૈ, તુઝે મેરી જરુરત હે’..

 

સૌજન્ય :- પ્રેરકવાતો

 

ટીપ્પણી