“આંસુ” – દિલ ધડક સ્ટોરી

“તે હજુ હાંફી રહ્યો હતો. હજુ શ્વાસ ધમણની જેમ ચાલી રહ્યા હતા. પરસેવાના બિંદુ અને અશ્રુબિંદુ બંન્ને એવા એક સાથે જોડાય ગયા હતા કે કંઇ ખારાશ કોની છે તે સમજવુ મુશ્કેલ હતુ.

લોકો તેને પાગલ કહેતા હતા. રઘલો પાગલ. હા, તે પાગલ જ હતો. મેઘનાની પાછળ પાગલ. તેની ઉડતી કાળી કેશ કલાપનો પાગલ. તેની આંખોની ઉલાળનો પાગલ.

મેઘના તેની કોલોનીમાં તેની સામેના મકાનમાં રહેતી હતી. રોજ સવારે જયારે તે ઓફિસે જવા નીકળતો ત્યારે તે કોલેજ જવા માટે તૈયાર થતી હોય અને સાંજે બંન્ને એક જ બસમાં ઘરે આવતા તે ટયુશન કલાસથી આવે અને પોતે ઓફિસેથી.

તે જરા અમથી સ્માઇલ આપતી ત્યારે હજારો ગુલાબો દિલમાં મહેંકી ઉઠતા. રોજ શબ્દો આવીને ગળા પાસે અટકી જતા. બસ મૌન જ બંન્ને વચ્ચે રહેતુ. મૌન જ તેમના પ્રેમનુ સાક્ષી.

હૈયામાં રોજ અનેરા સ્પંદનો થઇ આવતા. આ સ્પંદનો તેને રોજ નીત નવીન રીતે તૈયાર થવા અને પરફ્યુમથી મહેંકી ઉઠવા પ્રેરતા. મોટા ભાગની આવક તેમાં જ વપરાય જતી.

એકવાર ઘરમાં મમ્મી ન હતા ત્યારે તે આવી હતી દુધ લેવા માટે ત્યારે તેનો મીઠો મધુરો અવાજ પહેલીવાર સાંભળ્યો હતો.

રોજ સવાર સાંજ તેના શબ્દો મનમાં ગુંજ્યા કરતા. એક દિવસ સાંજે તે બસમાં ન દેખાઇ ત્યારે હ્ર્દય બે ધબકારા ચુકી ગયુ. અમંગળ એંધાણ કોણ જાણે કેમ મનમાં ઘુમરાવા લાગ્યા. ચિત્ત કયાંય ચોંટતુ જ ન હતુ. આઁખો દોડી દોડીને તેના દરવાજા તરફ જતી હતી. પરંતુ કોઇ તેના ઘરે હતુ જ નહિ.

રાત્રે જમતા જમતા મમ્મીએ ગરમા ગરમ રોટલી પીરસતા પીરસતા કહ્યુ, “પેલી સામેના મકાનમાં રહેલી મેઘલી નથી! તેને એરુ આભડી ગયો. સવારના દવાખાને લઇ ગયા હતા. હમણાં ખલાસ થઇ ગઇ. બિચારી ભર જુવાનીએ કોડ અધુરા મુકીને જતી રહી.”

હાથમાં કોળિયો એમ ને એમ રહી ગયો. હૈયુ ફાટ ફાટ થવા લાગ્યુ. પોક મુકીને રડવુ પણ કેમ? આખરે કોણ હતી તે પોતાની? દબાવી દીધેલા આંસુઓ ખખડાટ હાસ્ય રૂપે અડધી રાતે નીકળી પડયા. લોકોએ પાગલ ઠેરાવી દીધો.

બટકુ રોટલા માટે આજે પણ ભાગી રહ્યો હતો. લોકોના મારના બીકથી આંસુઓ વહી જતા હતા.

લેખક : ભાવીષા ગોકાણી

આપ સૌ ને સ્ટોરી કેવી લાગી કોમેન્ટ માં જણાવજો !!

ટીપ્પણી